મારા સપનાનું ભારત પર નિબંધ India of My Dreams Essay in Gujarati

મારા સપનાનું ભારત પર નિબંધ India of My Dreams Essay in Gujarati or Mara Sapna Nu Bharat Guajrati Nibandh: ભારતનો ભૂતકાળ અતિ ભવ્ય હતો. તેના પ્રાચીનકાળમાં ઋષિમુનિઓ પાસેથી કેળવણી પામેલા વિદ્યાર્થીઓ સંસ્કારી અને ધાર્મિક સમાજની રચના કરતા. આપણા દેશમાં વેદો, ઉપનિષદો અને ગીતા જેવા ધર્મગ્રંથો તેમજ રામાયણ, મહાભારત જેવાં મહાકાવ્યોની રચના થઈ હતી. ભારતના વેપારીઓ દુનિયાના દેશો સાથે વેપાર કરીને અઢળક ધન કમાતા. પ્રાચીન ભારત એક સમૃદ્ધ દેશ ગણાતો. પરંતુ, આપણા દેશમાં પરદેશીઓનું આગમન થયા પછી દેશની દુર્દશા શરૂ થઈ. અંગ્રેજોની ભેદભાવભરી અને શોષણખોર આર્થિક નીતિના લીધે ભારતના ગૃહઉદ્યોગો પડી ભાંગ્યા. આપણા દેશમાં ગરીબી, બેકારી અને ભૂખમરો ફેલાયાં.

India of My Dreams Essay in Gujarati

મારા સપનાનું ભારત પર નિબંધ India of My Dreams Essay in Gujarati

ઈ. સ. 1947માં આપણો દેશ આઝાદ થયો. ત્યારબાદ દેશમાં પંચવર્ષીય યોજનાઓ શરૂ થઈ. નદીઓ પર બંધો બાંધીને સિંચાઈની સગવડો વધારવામાં આવી. તેનાથી કૃષિક્ષેત્રે અને ડેરી ઉદ્યોગક્ષેત્રે ગણનાપાત્ર પ્રગતિ થઈ. મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો ઘડીને સાક્ષરતાનું પ્રમાણ વધારવાના પ્રયત્નો કરવામાં આવ્યા. દેશની ખનીજ સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરીને ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવ્યો.

તેમ છતાં આઝાદી પછી ભારતમાં બધું સમુંસૂતરું થઈ ગયું છે એવું પણ નથી. ભારતના રાજકારણીઓ, અમલદારો, પોલીસો અને મોટા ઉદ્યોગપતિઓ દેશમાં ભ્રષ્ટાચાર ફેલાવે છે. દેશમાં કૌભાંડો ઉપર કૌભાંડો થયા કરે છે. આવી અરાજકતામાં સામાન્ય માણસના અવાજનો પડઘો તો ક્યાંય પડતો જ નથી. ગરીબી, મોંઘવારી અને બેકારી જેવી સમસ્યાઓમાં વધારો થયો છે.

આમ, આજે ચોમેર નિરાશાજનક વાતાવરણ દેખાય છે. તેમ છતાં મારા સ્વપ્નનું ભારત અને ભવ્ય જણાય છે. તેનું એક જ કારણ છે : હવે ભારતનો યુવાવર્ગ જાગૃત થવા લાગ્યો છે. તે દેશની સમસ્યાઓની માહિતી મેળવતો અને એમાં રસ લેતો થયો છે. તે દુનિયામાં થતી પ્રગતિ નિહાળી રહ્યો છે. આથી તે ધીરેધીરે દેશની કાયાપલટ કરી શકશે.

21મી સદીના ભારતમાંથી ગંદકી નેસ્તનાબૂદ થઈ ગઈ હશે. મચ્છર અને માખીનો ત્રાસ નહિ જેવો થઈ ગયો હશે અને તેથી તાવ, ખાંસી, ઝાડા ઇત્યાદિ રોગોથી લોકોને મુક્તિ મળી હશે. ભારતભરમાં પીવાનું શુદ્ધ અને મીઠું પાણી મળતું થઈ ગયું હશે, જેથી લોકોને ખારું પાણી પીવાની ફરજ નહિ પડે.

21મી સદીની મારી કલ્પનાના ભારતમાં ગામડાં પગભર થઈ ગયાં હશે જેથી શહેરોનું ભારણ ઓછું થશે. એ સાથે જ ભારતમાંથી બાળમજૂરીની પ્રથાનો પણ અંત આવ્યો હશે. 21મી સદીનું ભારત સમગ્ર વિશ્વમાં વેપાર-ઉદ્યોગના ક્ષેત્રે ટોચના સ્થાને બિરાજતું હશે. ખાસ કરીને કમ્પ્યુટર ક્ષેત્રે ભારતનો ડંકો વાગતો હશે, જેને કારણે જગતનાં બધાં રાષ્ટ્રો ભારતની મૈત્રીને ઇરછશે.

21મી સદીમાં ભારત રમતગમત બાબતે પણ જગતભરમાં આગળ પડતું સ્થાન ભોગવતું હશે. ક્રિકેટમાં એનો ડંકો વાગતો હશે, તો ઑલિમ્પિક રમતોમાં ભારત ચંદ્રકોના ઢગલા મેળવતું થઈ ગયું હશે.

મારા સ્વપ્નના ભારતમાં જ્ઞાતિવાદ, જાતિજાતિ વચ્ચેના ઝઘડા તથા ધર્મના નામે થતા ઝઘડા રહ્યા નહિ હોય. વળી, નવી પેઢીના મનમાં પુત્ર અને પુત્રી વચ્ચેનો કોઈ જ ભેદ નહિ હોય. નવી પેઢી એક સંતાનની પ્રણાલિકાનો સ્વીકાર કરશે, તેથી વસ્તીવધારાને નાથી શકાશે. મારા સ્વપ્નના ભારતમાં ભ્રષ્ટાચાર નહિ હોય, લોકો સુખસંપન્ન હશે, દેશના તમામ નાગરિકોને પાયાની જરૂરિયાતો સહેલાઈથી ઉપલબ્ધ થતી હશે અને સારી સમાજવ્યવસ્થા ગોઠવાઈ હશે. વિજ્ઞાન અને ટેક્નોલૉજીના ક્ષેત્રે આપણા દેશે નોંધપાત્ર પ્રગતિ સાધી હશે. આપણી સરહદો સંપૂર્ણપણે સલામત હશે. તેથી ભારત સાથે સંઘર્ષ કરવાનું પાકિસ્તાન કે ચન સ્વપ્નમાં પણ વિચારશે નહિ. દેશમાં ગેરરીતિઓ વગર પ્રામાણિકતાથી ચૂંટણીઓ લડાતી હશે અને પ્રામાણિક અને સ્વચ્છ નેતાગા ચૂંટાશે.

આપણા દેશના નાગરિકોમાં વિદ્વાનો, સાહિત્યકારો, વિજ્ઞાનીઓ અને સૈનિકો પ્રત્યે માનની લાગણી હશે. તમામ ક્ષેત્રોમાં ભારત દુનિયાના દેશોને નમૂનેદાર માર્ગદર્શન આપતું થઈ જશે.

ભારતના ઉજ્વળ ભવિષ્ય વિશેનું મારું સ્વપ્ન જરૂર સાકાર થશે એવી મને શ્રદ્ધા છે.Share: 10

About Author:

Hello, My name is Rakesh More. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment