વિશ્વબંધુત્વ પર નિબંધ Vishwa Bandhutva Essay in Gujarati

વિશ્વબંધુત્વ પર નિબંધ Vishwa Bandhutva Essay in Gujarati: આપણા મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીએ વ્યક્તિ મટીને વિશ્વમાનવી થવાની ખેવના સુંદર રીતે વ્યક્ત કરી છે :

“વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી,
માથે ધરું ધૂળ વસુન્ધરાની.”

Vishwa Bandhutva Essay in Gujarati

વિશ્વબંધુત્વ પર નિબંધ Vishwa Bandhutva Essay in Gujarati

માનવી ચંદ્રની ધરતી પર પહોંચી શક્યો છે, પરંતુ હજુ સુધી તે બીજા માનવીના હૃદય સુધી પહોંચી શક્યો નથી. માનવીમાં માનવતા ઓછી થતી જાય છે, આથી જ કવિ સુન્દરમ કહ્યું છે :

“હું માનવી માનવ થાઉં તો ઘણું.”

આજે ઝડપી વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહારની મહાન શોધોને પ્રતાપે આપવું વિશ્વ ઘણું નાનું થઈ ગયું છે. આજે વિશ્વના દેશો વચ્ચેનાં અંતરો સાવ ઘટી ગયાં છે. માનવીએ જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિની હરણફાળ ભરી છે. આમ છતાં, આધુનિક માણસ પોતાના જેવા જ બીજા માણસની લાગણીઓને સમજવામાં નિષ્ફળ રહ્યો છે.

આ સદીમાંય માનવી નાતજાતના ઝઘડામાં ખોવાયેલો રહે છે. કાળા અને ધોળાનો ભેદ હજી સાવ ભુંસાયો નથી. ગરીબો ગરીબ જ રહે એવી પ્રવૃત્તિઓ ચાલ્યા કરે છે.

માનવી એટલે ઇચ્છાઓનું પોટલું. આપણા જીવનમાં મહત્ત્વાકાંક્ષાઓ તો હોવી જ જોઈએ પરંતુ તે આપણી શક્તિ અને મર્યાદામાં રહીને વળી, આપણી મહત્ત્વાકાંક્ષા પૂર્ણ કરવા માટે આપણે પ્રામાણિક માર્ગ અપનાવવા જોઈએ. આજે મહાનતા વિશે લોકોના માપદંડો બદલાઈ ગયા છે. એક જમાનામાં પ્રામાણિક અને નીતિમય જીવન જીવનારી વ્યક્તિને મહાન ગણવામાં આવતી. આજે અઢળક સંપત્તિ, મોટરગાડી અને બંગલો તેમજ વૈભવી જીવનશૈલી ધરાવતો માણસ મહાન ગણાવા લાગ્યો છે, પરિણામે લોકો ભ્રષ્ટાચાર, લાંચરુશવત, કાળાંબજાર, ભેળસેળ, ચોરી, ખૂન, લૂંટફાટ વગેરે જેવા અપ્રામાણિક માર્ગે અઢળક સંપત્તિ એકઠી કરવા લાગ્યા છે. ક્યાં જઈને અટકશે આ બધું?

આજે સામાન્ય માનવીની વેદના સાંભળવાની કોઈને ફુરસત નથી. વિશ્વમાં કરોડો લોકો ગરીબી, બેકારી, ભૂખમરો, અસાધ્ય રોગો અને અજ્ઞાનના ભોગ બની રહ્યા છે. માટે જ કરસનદાસ માણેકે ગાયું છે :

“તે દિન આંસુ ભીનાં રે હરિનાં લોચનિયાં મેં દીઠાં !”

માણસની બીજી સારી બાજુ પણ છે. ગુજરાતના ધરતીકંપ વખતે સંપૂર્ણ જગત ગુજરાતની પડખે ઊભું રહેલું, આથી એમ કહી શકાય કે માનવી માનવીના દુ:ખમાં જરૂર સાથ આપે છે.

હું ભલે ડૉક્ટર બનું, હું ભલે વકીલ બનું, હું ભલે ઇજનેર બનું, હું ભલે પ્રધાન બનું, હું ભલે ન્યાયાધીશ બનું, હું ભલે આચાર્ય બનું, પરંતુ તેની સાથેસાથે હું માનવી તો બની જ રહું. હું બધું જ બનીશ પરંતુ હું માનવી નહિ બનું તો મારા જીવનની કિંમત એકડા વિનાના મીંડા જેટલી જ રહેશે. માનવી બનેલો ડૉક્ટર દર્દીને દેવ માનશે અને તેને લૂંટવાનો વિચાર નહિ કરે. માનવી બનેલો વકીલ પોતાના અસીલને દેવ માનશે અને તેની પાસેથી વાજબી ફી લઈને તેને પૂરો ન્યાય મળે તેવા પ્રયત્નો કરશે. દરેક વ્યવસાય વિશે આ રીતે વિચારી શકાય.

પ્રત્યેક વ્યક્તિએ પોતાનું આચરણમાનવતાના ત્રાજવે તોળીને તપાસવું જોઈએ. જો મનુષ્ય પોતાની દૃષ્ટિ છોડીને બીજાની દષ્ટિએ વિચારતો થાય તો આ વિશ્વના ઘણા પ્રશ્નોનું નિરાકરણ આપોઆપ જ થઈ જાય. આમ થાય તો વિશ્વમાં કોઈ દુ:ખી ન રહે. આ માટે માનવીએ ત્યાગની ભાવના રાખવી જોઈએ તેમજ પ્રામાણિક જીવન જીવવાનો સંકલ્પ કરવો જોઈએ. માનવી ગમે તે ધર્મ પાળતો હોય પરંતુ તે માનવધર્મનું આચરણ નહિ કરતો હોય, તો તેનું જીવન નિરર્થક બની જશે. આપણે વિશ્વને એક કુટુંબની દષ્ટિએ જોઈએ અને પરસ્પર પ્રેમ અને આદર રાખીએ. સમષ્ટિના કલ્યાણમાં જ વ્યક્તિનું કલ્યાણ સમાયેલું છે.Share: 10

About Author:

Hello, My name is Rakesh More. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment